અચાનક સંબંધ છટક્યો
પડ્યો…
ને તૂટી ગયો
સમયની સાવરણી
ફેરવી ફેરવીને થાક્યા છતાં
હજીયે –
કરચોથી મારાં તળિયાં
લોહીલુહાણ કેમ થઈ જાય છે ?
તૂટેલા મંગળસૂત્રના દાણા
હજીયે મળી આવે છે અવારનવાર…
ચાદરમાંથી ગુલાબ-મોગરાની એ સુગંધ
હજીયે જતી નથી !
લોહીનાં ધાબાં જેવાં લાગે છે ગુલાબની
કચડાયેલી પાંદડીના ડાઘ !
ચોળી ચોળીને નાહ્યા છતાં
સતત વીંતળાયેલા એ સર્પીલા
સ્પર્શની ધ્રુજારી ઘટતી નથી !
લીલા સાપ સરકવા માંડે છે
મારાં સ્તનોની વચ્ચે ગમે ત્યારે !
લાલ રંગને જોઈને ઊબકા આવે છે
અને, લગ્નના ઢોલ
સીધા મારી છાતી પર જ પીટાય છે
શરણાઈ સાંભળીને
શ્વાસ ગૂંગળાવા કેમ લાગે છે ?
છેડાછેડીનો એ ટુકડો તો
ક્યારનો ફેંકી દીધો છે ને ?
તો ખીંટી પર આ શેનો
ભાર લટક્યા કરે છે ?
- કાજલ ઓઝા – વૈદ્ય
મૂળ લિંક આપવા બદલ ખૂબ ખૂબ આભાર… આ પારદર્શિતા આજકાલ જવલ્લે જ નેટ જગતમાં જોવા મળે છે…
By: વિવેક ટેલર on 03/15/2009
at 5:44 AM
Saras chhe. Kajal-O.V. ni biji kavita pan muko ne!
By: Nikki on 04/27/2009
at 11:14 AM