રહ્યાં કોરાં કાં ચોમાસે ? નકામો જીવ ના બાળો
ઘણાં વાદળ છે આકાશે ! નકામો જીવ ના બાળો.
દગો દીધો જો વિશ્વાસે, નકામો જીવ ના બાળો
અગર દાઝ્યા છો ભીનાશે, નકામો જીવ ના બાળો.
થવાનું જે હશે; થાશે ! નકામો જીવ ના બાળો
રહો એના જ વિશ્વાસે, નકામો જીવ ના બાળો.
તમારા આંગણામાં જે ઉછેર્યું ઝાડ એનાં ફળ –
નસીબ જેના તે ખાશે, નકામો જીવ ના બાળો !
તમે સાચવશો ક્યાં સુધી એ રંગોને; સુગંધને ?
ફૂલો ખીલ્યાં તો ચૂંટાશે, નકામો જીવ ના બાળો.
એ વાદળ છે અને વરસી જવાની એની ફિતરત છે
વરસતું એ ન રોકાશે, નકામો જીવ ના બાળો !
જતન જળનું કરો તો શક્યતા ભીનાશની રહેશે,
કદી મૃગજળ ન ભીંજાશે, નકામો જીવ ના બાળો !
સળગતા દીપને જો ધ્યાનથી જોશો તો સમજાશે
વસે અંધાર અજવાશે ! નકામો જીવ ના બાળો.
પવન પથરીલો છે ને છે હવા પણ ખૂબ ખરબચડી -
ઉઝરડા છે હરેક શ્વાસે ! નકામો જીવ ના બાળો….!
- રિષભ મહેતા
- From, http://www.readgujarati.com/sahitya/?p=1336