manvi ni

“માનવીની તાકાત નહીં”
—————————-
પક્ષી બનાવે માળો,
માનવી પણ બનાવે બંગલો,
તો પછી એ બે માં ભેદ શું ?
પક્ષી પ્રતિવર્ષ બનાવે નવો માળો,
માનવીની એ તાકાત નહીં…..(1)

પક્ષી પ્રેમથી બચ્ચાં જણે;
માનવીનો પણ એજ ક્રમ,
તો પછી એ બે માં ભેદ શું ?
પાંખો ફૂટે,પક્ષી બંધનમુક્ત થાય,
માનવીની એ તાકાત નહીં…..(2)

નિજ શિશુ કાજ પક્ષી કણ કણ ભેગા કરે,
માનવી નો પણ એજ ક્રમ,
તો પછી એ બે માં ભેદ શું ?
કણ પણ માળે શોધ્યો ના જડે,
માનવીની એ તાકાત નહીં…..(3)

પેટ કાજે પક્ષીઓ દેશાવર ઉડે,
માનવીનો પણ એ જ ક્રમ,
તો પછી એ બે માં ભેદ શું ?
કણ મળે સંતુષ્ટ પક્ષીઓ આનંદે ઝૂમે,
માનવીની એ તાકાત નહીં…..(4)

જીવનના અંતે પક્ષી મરે,
માનવી પણ મૃત્યુથી ડરે,
તો પછી એ બે માં ભેદ શું ?
પક્ષી મૃત્યુનો ક્યાંય કકળાટ નહીં,
માનવીની એ તાકાત નહીં…..(5)

Advertisements
manvi ni

Jivan1

*જીવન નીકળતું જાય છે..*

આંખ ખોલીને આળસ મરડવામાં..
પુજા-પાઠ ને નાહવા-ધોવામાં..
દિવસભરની ચિંતા કરવામાં..
ચા ઠંઙી થઈ જાય છે..
*…..જીવન નીકળતું જાય છે.*

ઓફિસની ઉલ્ઝનોમાં..
પેન્ડીંગ પડેલ કામોમાં..
તારાં મારાંની હોડમાં..
રૂપીયા કમાવવાની દોડમાં..
સાચું-ખોટું કરવામાં..
ટીફીન ભરેલ રહી જાય છે..
*…..જીવન નીકળતું જાય છે.*

મેળવ્યું એ ભૂલી જઈ..
ન મળ્યું એની બળતરા થાય છે..
હાય-હોયની બળતરામાં
સંધ્યા થઈ જાય છે..
ઉગેલો સૂરજપણ અસ્ત થઈ જાય છે..
*…..જીવન નીકળતું જાય છે.*

તારા-ચંદ્ર ખુલ્લા આકાશમાં..
ઠંડો પવન લહેરાય છે તો પણ..
દિલમાં કોઈનાં કયાં ઠંડક થાય છે.. ?
અધુરાં સપનાઓ સાથે
આંખ બંધ થાય છે….
*…..જીવન નીકળતું જાય છે.*

*ચાલો..*
*સૌ દિલથી જીવી લઈએ..*

*જીવનનીકળતું જાય છે*.

Jivan1

જૂનું ઘર ખાલી કરતાં

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા !
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

દૃગ=આંખ

– બાલમુકુન્દ દવે

From: http://layastaro.com/?p=11202

જૂનું ઘર ખાલી કરતાં

વાર લાગે છે

યુવાની જાય છે, ક્યાં વૃદ્ધ બનતાં વાર લાગે છે !
જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે;
કશું પાસે ન હો ઝાઝું, કશાની ખેવના ન હો,
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.

-રઈશ મનીઆર

From, http://layastaro.com/?p=5786

વાર લાગે છે

છીએ

સાચું ખોટું રમીએ છીએ,
ખાલી થાળી જમીએ છીએ.

ઠંડા શ્વાસો ભરીએ છીએ.
મન માંહે સમસમીએ છીએ.

ક્ષણ માંહે સળગીએ છીએ.
ધીમે ધીમે ઠરીએ છીએ.

ઘા લાગે તરફડીએ છીએ.
પણ મરવાથી ડરીએ છીએ.

કાચના ઘરમાં રહીએ છીએ.
રોજ અજમ્પો સહીએ છીએ.

કેવું કેવું જીવીએ છીએ.
હોઠને કેવા સીવીએ છીએ.

રોજ સરકતા સમયની સાથે,
કાળના મુખમાં સરીએ છીએ.

હર ઘટનામાં જન્મી જન્મી,
હર ઘટનામાં મરીએ છીએ.

– પ્રફુલ્લ દવે

From, http://www.forsv.com/guju/?p=906

છીએ

દીકરી – 1

વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
                    કસબી હાથેથી એણે કરી કમાલ !
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
                    ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.

દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
                   અને મધરાતે માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી
                   અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર.

સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
                  તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
                  જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
                   વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
                   હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ.

– મકરન્દ દવે

ખાંત=ઉત્સાહ, નખેતર=નક્ષત્ર,  હાસ=હાસ્ય,  હુલાસ=ઉલ્લાસ

ખલક = દુનિયા; જગત; વિશ્વ; સૃષ્ટિ; આલમ; માણસજાત; સંસાર.
ન્યાલ = ઇચ્છા પાર પડી હોય એવું; નિહાલ; કૃતાર્થ. ખજીનો = જુનો ખજાનો

From, http://layastaro.com/?p=4090

દીકરી – 1

પાટીમાં ઘૂંટેલા દિવસો

પાટીમાં ઘૂંટેલા દિવસો યાદ કરતાં સમય કરે છે છણકો
બાળપણના એ દિવસોને સ્હેજ અડું ત્યાં થાતો મોટો ભડકો

લીટાવાળી દીવાલો પર લટકે આખું બચપણ થઇને ફોટો
વા થયેલા પગને હજુયે વિતી ગયેલી પળમાં મૂકવી દોટો

દૂરબીનમાં જોયેલા દ્રશ્યો ચશ્માં થઇને આંખો સામે ઝૂકે
હાલરડામાં ઓગળતી રાતોનું સપનું આવે ભૂલેચૂકે

દિવસો વિતતા ચાલ્યા એમ જ વધતી ચાલી નેઇમપ્લેટની ઉંમર
ઘર-ઓફિસના રસ્તા વચ્ચે પગની ઠોકર ખાતો રહેતો ઉંબર

જન્મદિવસ તો યાદ ને સુધ્ધાં યાદ રહે છે એ દિવસનો તડકો
યાદ નથી કે કઇ તારીખે ભૂલી જવાયું રમતાં અડકો દડકો…

– અંકિત ત્રિવેદી

From, http://tahuko.com/?p=6581

પાટીમાં ઘૂંટેલા દિવસો